Wednesday 5 December 2012

ઇશ્વર જો  જગ પર પ્રસન્ન થાય,
તો ચોક્કસ ગાંધી કે સરદાર સર્જે.

જે ચોકમાં ઊભો રહી મને નીંદે છે,
તેને કહો નીંદાપાત્ર તો કંઇ કરજે.

તે  જે પીઠ પાછળ મારી વાત કરે છે,
મઝા આવે,જો ભરસભામાં મને ર્ચચે.

અડધા ઘડાની જેમ છલકાઈ ન પડું,
તું પ્રેમ ને સ્નેહથી મને એટલો ભરજે.

તું છે ક્રોધી,કપટી ને છે છળ કરનારો,
બાળક્ની આંખમાં જોતાં જરા ડરજે.
-વિરાજ દેસાઇ ©

Friday 3 August 2012

એ છોકરો

બેગ ભેરવીને રોજ ટ્યુશન જતો એ છોકરો,
સપનાં તો બિલ ગેટ્સ બનવાનાં જોતો હશે.
વિચારી તો એ પણ શકે જ છે,
કાંઇક કરી તો એ પણ બતાવવા માંગતો હશે.
પણ,"ડોક્ટર જ બનવાનું છે તારે તો!!" ,
ભાર એવો કાંઇક સતત અનુભવતો હશે.
કોણે પૂછી આજ સુધી મરજી તેની!,
ને તે પણ ઇચ્છાઓ સતત દબાવતો હશે.
એક નાનું કામ નથી થતું મરજી વિરુધ્ધનું,
ને તે એક રસ વિનાનું જીવન કેમનું જીવતો હશે?
આમ એને તમે ગૂંગળાવી ના મારો,
ક્યાંક તમારામાં પણ એ જીવ્યો હશે!!
-વિરાજ  દેસાઈ ©

Friday 15 June 2012

પ્રિય દીકરાને

જેનો પુત્ર આ દુનિયામાં નથી એવી માતાની વ્યથા રજૂ કરવાનો એક પ્રયાસ,

પ્રિય દીકરાને,

તને મૂકીને ઘરે આવી,
તો ઘર કેટલું વ્યવસ્થિત લાગ્યું!!
હવે કોઇ ઘરમાં સોફા પાસે,
કાદવવાળા બૂટ નથી કાઢતું.
હવે કોઇ ડાઈનિંગ ટેબલ પર,
થાળી અધૂરી નથી છોડતું.
રસોડામાં અચાનક ઘૂસી હવે,
ચા બનાવવા કોઇ નથી કહેતું.
કોઇ સવારે ઉઠવામં આળસ કરી,
મને હેરાન નથી કરતું.
હવે કોઇ મારી બનાવેલી રસોઇમાં,
દરરોજ નવી ખામી નથી કાઢતું.
અને હવે ઘર વ્યવસ્થિત રાખવા,
કોઇને કહેવું નથી પડતું.

દીકરા,જો આ ઘરમાં તું જ એક,
અવ્યવસ્થિત હતો.
તો મને આ ઘરની અવ્યવસ્થા
વ્હાલી હતી.
વ્યવસ્થા જ મને ભરખી જશે.

-વિરાજ  દેસાઇ ©

Friday 8 June 2012

"છોટુ"

આજે એક અછાંદસ કાવ્ય "છોટુ"

                                                                છોટુ

 છોટુ ચા પીરસે ને ટેબલ સાફ કરે,
ને રમવા જવું છે એ કહેતાં કેટલો ડરે!!
એનાણ જેવડાં છોકરાં શાળાએ ભણે,
ને એ ગણિતનાં નામે ફક્ત રૂપિયો ગણે!!
કુમળા મનનાં ઘા આમ કાંઇ ન રુઝે,
ને એનાં આસું લૂંછવાનુંય ક્યાં કોઇને સૂઝે!!
કોઇ સમજાવો તેના જીવનનું સત્ય,
તેના નસીબમાં કાલ તો છે નથી ભવિષ્ય.
અડધાં કપડાંમાં નચનાર કેટરીનાનો જેઓ વિરોધ કરે છે,
તેમને સમાજની આ નગ્ન અશ્લીલતા નથી દેખાતી??

-વિરાજ  દેસાઇ ©

Monday 28 May 2012

તમે જતાં રહ્યાં એમ અમને રડતાં મૂકીને

તમે જતાં રહ્યાં એમ અમને રડતાં મૂકીને,
જેમ રેતીને છોડીને જતી રહે છે કોઇ નદી વહીને.
નદી તો હજી પણ પોતાની ભીનાશ છોડી જાય છે,
માણસ તો મનનો કોઇ ખૂણો ખાલી કરી જાય છે.

માણસ તો જતો રહે છે,સ્મરણો રહી જય છે,
ઊંડી થાય છે લાગણી,અશ્રુમાં ફરિયાદો વહી જાય છે.
જીવન તો છે ચક્ર માન્યું કે ચાલ્યા જ કર્શે,
પણ તમારાં વિના કંઇક તો સૂનું જ લાગશે.

  -For all those who have lost someone dear.

-વિરાજ દેસાઇ  ©

કે હું તો ઓગણીસની થઇ.

જીવનની સફરે જવાં છું,
 હું તૈયાર,સ્વપ્નો આંખોમાં આંજી દઈ,
કે હું તો ઓગણીસની થઇ.

બાળપણની મસ્તીઓ ભાગી,
કરી મારી સાથે અંચઇ,
કે હું તો ઓગણીસની થઇ.

જવાબદારીઓ આવી,
ચિંતામુક્ત રહેવાની છે મનાઇ!
કે હું તો ઓગણીસની થઇ.

અજાણ્યે જ કેમ હું
કો'ક સપના તરફ ખેંચાઇ?
કે હું તો ઓગણીસની થઇ.

જગ બદલાઇ રહ્યું મારું,
ને મને તો હજીય લાઅગે નવાઇ,
કે હું તો ઓગણીસની થઇ.

અઢાર વર્ષ્ના આ તાંબા પર
થાય છે કોઇ નવી જ કલાઇ,
કે હું તો ઓગણીસની થઇ.

જીવનપ્રદેશ ઉપર,
સ્વપ્નો કરે રાજ સવાઇ,
કે હું તો ઓગણીસની થઇ.

-વિરાજ દેસાઇ
©

કે મને તો અઢારમું બેઠું.

નટખટ બાળપણને નીંદરમાં છોડી,
હું રોજ હવે મઝાની
યુવાનીમાં ઊઠું.
કે મને તો અઢારમું બેઠું.

વિચારોને લાગે છે પાંખ આવી,
કે હવે તો ન લાગતું કોઇ
સપનું છેટું.
કે મને તો અઢારમું બેઠું.

મસ્તીઓ,રમતો ને વ્હાલની પોથી પર,
સમજ,સ્વપ્નો ને જવાબદારીનું
ચઢાવ્યું છે પૂઠું.
કે મને તો અઢારમું બેઠું.

પિક્ચર,પાર્ટી ને નાટક વચ્ચે,
પસંદગી કરવાની મુશ્કેલી
હવે હું વેઠું.
કે મને તો અઢારમું બેઠું.

બિંદાસ એવા મનમાં કંઇક
કરી બતાવવાનું ઝનૂન
હવે તો પેઠું.
કે મને તો અઢારમું બેઠું.

પંખીની સાથે ઊડતાં ઊડતાં,
ક્યારેક ક્યારેક
ગગનને હું ભેટું.
કે મને તો અઢારમું બેઠું.

-વિરાજ ઓ. દેસાઇ.©