Wednesday, 24 July 2013

સાહિત્ય સંગમ ખાતે યોજાયેલ તરહી મુશાયરામાં ડો.રઈશ મણિયારની પંક્તિ પર રજૂ કરેલી ગઝલ :

ડાળને ન ઝૂલાવે, તે હવા અધૂરી છે,
જે વ્યથાને અડકે નહિં, તે કલા અધૂરી છે.

તેં ખતમ કરી ત્યાંથી તો હજુ શરૂ થઈ છે,
હું કહું છું, સગપણની આ કથા અધૂરી છે.

તું ભલે ફરજમાં તો કંઇ કસર ન છોડે પણ,
લાગણી વિનાની હો, તો વફા અધૂરી છે.

આંખને ભલે તે ભીની કરી શકે થોડી,
હૈયું ન પલાળે જો, તો વ્યથા અધૂરી છે.

પાંખને પસારીને કેમ તું સતત ઊડે?
બાથમાં ગગન ભરવાની રઝા અધૂરી છે?

-વિરાજ ઓ. દેસાઈ©

No comments:

Post a Comment